બુધવાર, 29 ડિસેમ્બર, 2010

‘ને તું યાદ આવે માં!


બાળપણને એકાંત સાલે 'ને તું યાદ આવે માં!
દાદિમાં ઘી-ખિચડી આલે 'ને તું યાદ આવે માં!

ઉચ્ચ જીવન આપવા, એક્ત્રીસે ગઈ તુ ભણવા,
અઠવાડિયે એક્લો મૂકીને ચાલે 'ને તું યાદ આવે માં!

ભવિષ્ય ઉજ્વળ બનાવવા, છાત્રાલયે મોક્લ્યો,
બસ-સ્ટેન્ડે ગામની બસ આવે 'ને તું યાદ આવે માં!

આજીવિકા કમાવા, અતરિયાળ કામે ગયો,
ગલગોટાના ફૂલ સહેજ હાલે 'ને તું યાદ આવે માં!

પરણાવીને પ્રેમથી પરદેશ વળાવ્યો તેં મને,
પૂત્ર મારો આંગળી જાલે 'ને તું યાદ આવે માં!

આજે તું નથી છત્તાય છે મારા રોમરોમમાં,
મૌન સન્નાટો બાથમાં ઘાલે 'ને તું યાદ આવે માં!

રાજેશ જોશી “આરઝુ”

બુધવાર, 8 સપ્ટેમ્બર, 2010

સમર્પણ



દુનિયામાં થી પ્રેમને કોઈ ભાગાડી દેજો.
નહિંતર આંસુમાં ચહેરો ડુબાડી દેજો.

ફનાગીરીની તૈયારી હોય તો જ પગ મુકજો,
નહિંતર અત્યારે જ મેદાન છોડી દેજો,

'તુ' 'ને 'હું'ના ભેદભાવ ત્યાં હોતા નથી,
સ્નેહનાં તાંતણે સમગ્રને જોડી દેજો.

એકમાં સમગ્ર 'ને સમગ્રમાં એક જ બિંબાય,
પછી કાચના નકામા દર્પણને ફોડી દેજો.

સમર્પણનુ જ બીજુ નામ પ્રેમ છે 'આરઝુ'
સ્વાર્થને સદાય ખીંટીએ ખોડી દેજો.

રાજેશ જોશી "આરઝુ"

બુધવાર, 11 ઑગસ્ટ, 2010

'...ધૌળ નથી'



બધુ જ સનાતન છે કશુ ગૌણ નથી.
બધુ જ નક્કર છે ક્યાંય ભૌણ નથી.

જન્મી શકે જેના થકી ઇશ્વર અહી,
સંબંધએ કંઇ સાવ યૌન નથી.

બંધન તો મુક્તિનુ યે હોઇ શકે,
મોક્ષ પણ શું સુક્ષ્મ દૌડ નથી?

શુન્યમાં સંભળાય સ્વર અનાગતનો,
મૌન જે કંઇ લાગે છે એ મૌન નથી.

કંઇક તરફડીને મરી જાય, શબ્દદેહ રહિ જાય,
‘આરઝુ’ અમને કવિ થવાનો ધૌળ નથી.

રાજેશ જોશી "આરઝુ"

ઓસ્ટ્રેલિયા થી પ્રસિધ્ધ થતા દ્વિ-માસિક 'માતૃભાષા' ના જૂન-૨૦૧૦ના અંક માં પ્રસિધ્ધ થયેલ કૃતિ.

'માતૃભાષા' ની લિન્કઃ http://www.gujaratilexicon.com/index.php?action=downloadMatrubhasha

ગુરુવાર, 8 જુલાઈ, 2010

…ન બનાવશો.

આજ થી પંદરેક વરસ પહેલા ‘ગુજરાત સમાચાર’ માં પ્રસિધ્ધ થયેલી આ કવિતા અહિં વતનથી દૂર બેસીને વાંચતી વખતે એટલી જ તાજી લાગે છે. જેટલી એ લખાઇ ત્યારે લાગતી હતી. આપ સૌના માટે અહિં મૂકુ છુ.


દોસ્તીને કોઇ સુંવાળી ન બનાવશો.
લાગણીને કોઇ હુંફાળી ન બનાવશો.

હંમેશા નજદિકી શક્ય નથી ક્યારેય,
દૂરીને કોઈ બેબાકળી ન બનાવશો.

કિસ્મત કેવા ખેલ કરાવશે કોને ખબર,
ધડકન કોઇ ઉતાવળી ન બનાવશો.

અંતર તો છે આપ્યુ તે ધબવાનુ જ,
અંતરને વરસતી વાદળી ન બનાવશો.

‘આરઝુ’ અમે તો માત્ર રાહિ અવલ્લ મંજિલના,
અમને કોઇ હૈયાની હાંસળી ન બનાવશો.

રાજેશ જોશી “આરઝુ”

Photo : Dubai Creek Park



રવિવાર, 13 જૂન, 2010

ગઝલ




જિંદગીભર તમને જ યાદ કરશું.
મંદિરમા યે તમારો જ નાદ કરશું.

આપશે અગર આંસુ ઇશ્વર આપને,
અમે ઇશ્વર સાથે ય વિવાદ કરશું.

અણુઅણુમાં છલકશે યાદ આપની,
તમારા નામના તડકાથીયે સંવાદ કરશું.

છો ને બરબાદ થૈ જતી જિંદગાની,
તુજ કાજ અમ અસ્તિત્વને બાદ કરશું.

ભલે ખંડર બની જતુ શમણાનુ શહેર,
સ્કંધપર છત તમારી આબાદ કરશું.

રાજેશ જોશી "આરઝુ"

શનિવાર, 22 મે, 2010

રે! મનનુ મંદિરીયુ...


(Photo of : Shivansh..        ..Photo By: Yogesh Thanki)


મનનુ મંદિરીયુ ખાલી ખાલી લાગે.
રે! મનનુ મંદિરીયુ ખાલી ખાલી લાગે.

છો ને સિધાવ્યા શ્યામ,
છોડી મુને મઝધારે,
ચુંદડી વ્યથાની ફાટી,
રાધા આંસુ સારે,

ગામ આ ગોકુળીયુ ખાલી ખાલી લાગે.
રે! મનનુ મંદિરીયુ ખાલી ખાલી લાગે.

ઘુંટી ઘુંટીને અમે તો,
વેદનાને વાંટી,
એની જ ભુંકી,
જખમ પર છાંટી,

પિડ બિન અંતરીયુ ખાલી ખાલી લાગે.
રે! મનનુ મંદિરીયુ ખાલી ખાલી લાગે.

રાજેશ જોશી "આરઝુ"

(Photo of : Shivansh..        ..Photo By: Yogesh Thanki)

ગુરુવાર, 29 એપ્રિલ, 2010

ચહેરા

ચહેરા ઉપર લટકતા ચહેરા.
ખુદથી ખુદને ખટકતા ચહેરા.

આંખ બની અરિસો વ્યથાનો,
'ને આંસુ બનીને ટપકતા ચહેરા.

ભુલામણીમાં ભુલા પડ્યા સહુ,
આમ તેમ ભટકતા ચહેરા.

બોધ લઈ નીકળ્યો કાગડો.
બાવલા બની ઉમટતા ચહેરા.

ઘરથી નીકળ્યા મુસાફર બની,
સ્મશાને જઈ અટકતા ચહેરા.

રાજેશ જોશી "આરઝુ"

રવિવાર, 25 એપ્રિલ, 2010

આદેશ છે.


દુનિયા આખી અમારો દેશ છે.
શાંતિ એ જ અમારો સંદેશ છે.

સળગી રહી છે સરહદો સધળી,
માત્ર મુઠી જાર ના કલેશ છે.

બદલાઈ રહ્યા છે પોટકા બધે,
બસ, ગરીબની આંખ અનિમેષ છે.

સાપે ગળી છે નિર્દોષ દેડકીને,
જીભે રુધિરના અર્ક ની મેષ છે.

જીવ તો ભક્ષણહાર છે જીવનો,
જાણે હિંસા ઈશ્વરનો આદેશ છે.

રાજેશ જોશી "આરઝુ"

રવિવાર, 21 માર્ચ, 2010

અમો ખાબોચિયાં!


મહેંકતાં ગુલાબ સૌ ને પ્યારા જ હોવાનાં.
સાથે કંટકોથી યે પનારા જ હોવાનાં.

પૂર્ણ પ્રકાશ કદી ફેંલાશે નહિં દુનિયામાં,
દીપક તળે હંમેશા અંધારા જ હોવાનાં.

કોણ કહે છે અત્યાચાર લોકોને ગમે છે?
અંતર તો સૌ ના સિસકતા અંગારા જ હોવાનાં.

વહે છે અમારી આંખમાં થી, એથી શું થયું?
વહેતાં એ વ્યથાશ્રુ તો તમારા જ હોવાનાં.

કહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.

પ્રેમ હશે તો વળી ભવ-સાગર તરી જશું,
નહિતર મઝધારથી ય ઊંડા કિનારા જ હોવાનાં.

અમે વિશાળતાનો ભલે ને ગમે તેવો ઢોંગ કરીએ,
ખાબોચિયાં તો આખરે છીંછરા જ હોવાનાં.

રાજેશ જોશી "આરઝુ"

ગુરુવાર, 11 માર્ચ, 2010

...રે પરદેશી પંખીડા!


(તસ્વીર - આભપરો, ૦૮/૧૨/૨૦૦૮)

ફરી ક્યારેક મારે ગામ આવજો, રે પરદેશી પંખીડા!
સાથે સ્મરણો બે-ચાર લાવજો, રે પરદેશી પંખીડા!

એ માળામાં હવે કોઈ કિલ્લોલ ગુંજતો નથી અહીં,
મીઠા ટહુકા એમાં રેલાવજો, રે પરદેશી પંખીડા!

ઉડી ગયા છો આપ જ્યારથી કોઇ ઉંચે આકાશ,
રડે છે કોઇ ત્યારથી યાદ એ રાખજો, રે પરદેશી પંખીડા!

ઉડો ભલે પાંખો પ્રસારી, સાતમે આશમાન તમે,
ક્યારેક આ ડાળીએ નજર નાખજો, રે પરદેશી પંખીડા!

વંટોળીયો આવશે 'ને પિંખાઈ જશે આ માળો 'આરઝુ'
જો! જો! તમે મોડા ના પડજો! રે પરદેશી પંખીડા!


રાજેશ જોશી "આરઝુ"

મંગળવાર, 26 જાન્યુઆરી, 2010

"સુજાવ"

જાન્યુઆરી-૧૯૯૪ માં લખેલી આ ગઝલ આજે પણ સાંપ્રત હોવાથી અહિં પ્રસ્તુત કરુ છુ.
શબ્દમાં અર્થના તળાવ લઇ નીકળ્યા.
આંખમાં અનુચિત બનાવ લઇ નીકળ્યા.

સંકટ સાગર પાર કરવો છે સમાજને,
અને સાથમાં છિદ્રિત નાવ લઇ નીકળ્યા.

સોનેરી જાળુ સંગઠનનુ આમ રચાશે ક્યાંથી?
તાંતણાંમાં તો લોકો તણાવ લઇ નીકળ્યા.

માર્ગ છે મંજીલ વિનાનો સાવ વર્તુળાકાર,
તે માર્ગે ચાલવાને ચલાવ લઇ નીકળ્યા.

આંખમાં વ્યથાના તળાવ લઇ નીકળ્યા.
ભરી "આરઝુ" શબ્દમાં સુજાવ લઇ નીકળ્યા.

શનિવાર, 16 જાન્યુઆરી, 2010

કપાયા આખરે અંગ..



સૂરજ, તડકો, તરંગ અને પતંગ.
આકાશ, પવન, રંગ અને પતંગ.

મળે દરેકને મરજીનુ આકાશ,
આશ, હર્ષ, ઉમંઞ અને પતંગ.

દ્વેષ રાઞની દોરીને કાપો,
ખેંચ, ઢીલ, જંઞ અને પતંગ.

લાઞણી, સ્નેહ, નિખાલશ યારી,
વળી પ્રિયજનનો સંઞ અને પતંગ.

અડધા દેશમાં, અડધા વિદેશમાં,
કપાયા આખરે અંગ અને પતંગ.

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list