બાળપણને એકાંત સાલે 'ને તું યાદ આવે માં!
દાદિમાં ઘી-ખિચડી આલે 'ને તું યાદ આવે માં!
ઉચ્ચ જીવન આપવા, એક્ત્રીસે ગઈ તુ ભણવા,
અઠવાડિયે એક્લો મૂકીને ચાલે 'ને તું યાદ આવે માં!
ભવિષ્ય ઉજ્વળ બનાવવા, છાત્રાલયે મોક્લ્યો,
બસ-સ્ટેન્ડે ગામની બસ આવે 'ને તું યાદ આવે માં!
આજીવિકા કમાવા, અતરિયાળ કામે ગયો,
ગલગોટાના ફૂલ સહેજ હાલે 'ને તું યાદ આવે માં!
પરણાવીને પ્રેમથી પરદેશ વળાવ્યો તેં મને,
પૂત્ર મારો આંગળી જાલે 'ને તું યાદ આવે માં!
આજે તું નથી છત્તાય છે મારા રોમરોમમાં,
મૌન સન્નાટો બાથમાં ઘાલે 'ને તું યાદ આવે માં!
રાજેશ જોશી “આરઝુ”