મંગળવાર, 11 ઑક્ટોબર, 2011

નુતનપ્રભાત



ક્યાંક રણમાં પણ સરવાણી મળે.
ક્યારેક સમંદર સાવ ખાલી મળે.

યાદ આવી પરથમની મુલાકાત,
હૈયે પુનમ રાત રઢીયાળી મળે.

લંબાવુ જો હાથ હમદર્દીથી મારો,
તો હાથને બદલે હાથતાળી મળે.

ફંફોસી જો સંદુક સ્મરણોની જરા,
તસ્વીર એની જરી-પુરાણી મળે.

અમાસ ઓઢી ‘ને પોઢી તો જાઉ,
ત્યાં હજાર દિવાની દિવાળી મળે.

એમ ‘આરઝુ’ આશ નંદવાય ના.
નુતનપ્રભાત તો અંજવાળી મળે.

રાજેશ જોશી ‘આરઝુ’

લખ્યા તારિખ ; ૨૭-૯-૨૦૧૧                લખ્યા સમય ; ૧૧.૧૧ સવારે.

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

વર્ષગાંઠે


શબ્દોનાં પુષ્પો આપ્યા’તા, વર્ષગાંઠે.
શબ્દોમાં મોતીઓ મઢ્યા’તા વર્ષગાંઠે.

ન્હો’તી કેક, કાર્ડ કે આડંબરી ગુલદસ્તાં,
બસ, ભિંતરમાં ભાવ ભર્યા’તા વર્ષગાંઠે.

દોસ્ત હતાં આપણે, દોસ્ત રહ્યાં આજસુધી,
અંતરના ઉમળકાથી આવકાર્યા’તા વર્ષગાંઠે.

કેટલાયે ચડાવ ઉતાર પાર કર્યા આપણે,
છતાંય તમે યાદ આવ્યા’તા વર્ષગાંઠે.

લાખ કોશિશ છતા, ‘આરઝુ’ તુટી ગયા,
પાંપણે કેવા બંધ બાંધ્યા’તા, વર્ષગાંઠે.

રાજેશ જોશી ‘આરઝુ’

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

પાદપુર્તિ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

અમૃત ‘ ઘાયલ’

એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.

એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.

પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.

અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.

જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.

રાજેશ જોશી ‘આરઝુ’

૧૯૯૫ માં યોજાયેલી પાદપુર્તિ સ્પર્ધાની વિજેતા કૃતિ.

ગુરુવાર, 14 જુલાઈ, 2011

મૌન રડે છે..

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.

વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.

બોમ્બ થૈ 'ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?

નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.

કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.

રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.

રાજેશ જોશી 'આરઝુ'


ગુરુવાર, 30 જૂન, 2011

જિંદગી રણની મળી..

(Jumerah Beach…                                …Dubai)

જિંદગી રણની મળી, ભીનાશ થઈ ઉભા રહો.
પ્યાસ મૃગજળની મળી, વિશ્વાસ થઈ ઉભા રહો.

ચારેકોર અંધકાર ‘ને, ઓળા અથડાયા કરે,
જ્યોત દીપની મળી, પ્રકાશ થઈ ઉભા રહો

કસ્તુરી પડી ભીંતર મહી ‘ને શોધું ચોપાસ,
વ્યથા હરણની મળી, આશ થઈ ઉભા રહો.

કરમાઈને પણ સુગંધ આપે એવુ ફુલ બનું,
હસ્તી ક્ષણની મળી, સુવાસ થઈ ઉભા રહો.

અંતરને કદી સીમાડા હોતાં નથી ‘આરઝુ’
ધુળ એના ચરણની મળી, આકાશ થઈ ઉભા રહો.

રાજેશ જોશી ‘આરઝુ’

બુધવાર, 25 મે, 2011

મારા આ મુકામને..

(‘સોનાની છાત્રાલય’…                         ….પોરબંદર)

નથી આ મુકામ પર મારા દહાડા જાજા.
આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.

ટીંપુક    પ્યાર   માટે હું   તરસું   શા   થી?
અહીં  તો  છે  ભૈ  સ્નેહના   ફૂવારા  જાજા.

એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,
એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના  બારણા જાજા.

કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,
ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.

અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,
કે   જેણે  સંઘર્યા  છે  મારા પગલા  જાજા.

વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,
‘આરઝુ’  અમારા અંતરના ઓવારણા  જાજા.

રાજેશ જોશી ‘આરઝુ’

(પંકજભાઇ! ..      ..ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)

મારા એક ‘ફેસબુક’  મિત્રએ મારી એ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’  પર મુકેલો કે જ્યાં મે  મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમના-વિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ-૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળાએ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં  વિતાવ્યો છે.

શનિવાર, 30 એપ્રિલ, 2011

‘આરઝુ’


અમારા પાગલ દિલને એક જ ધરપત અમારી છે.
અમે જાતે જ નોતરેલી આ કયામત અમારીછે.

 ચાંદને શું ખબર કોઈ ચાતકે સમાવ્યો સિનામાં તેને,
લગભગ એ ચાતક જેવી જ હાલત અમારી છે.

 એમના દિલને કોઇ ખૂણે, અમે હશુ કે નહી, ખબરનથી,
માત્ર એમની જ કરેલી, માત્ર ઇબાદત અમારી છે.

 દોષ નથી કશો પણ એમાં, એમના દિલનો,
અમારા દિલને તોડનારી તો આ કરવત અમારી છે.

 ’આરઝુ’  અમને એક જ મળે કબરને  એમના બે આંસુ,
પછી તો બસ, એ અશ્રુવનમાં જ જન્નત અમારી છે.

રાજેશ જોશી ‘આરઝુ’

ગુરુવાર, 17 માર્ચ, 2011

રંગે રંગાયા



(Holi 2010...                         ...Dubai Creek Park)

કોઈ આછેરા રંગે રંગાયા.
તો કોઈ ઘેરા રંગે રંગાયા.

રંગાય જવાની છે મોસમ,
દરેક ચહેરા રંગે રંગાયા.

પાનખરને પણ રંગ હોય,
છો આજ હરા રંગે રંગાયા.

અશ્રુથી ચુકવ્યા છે દામ,
બહુ મોંઘેરા રંગે રંગાયા.

ઓઢી લીધુ છે સ્વેત વસ્ત્ર,
વિશ્રાંત ગહેરા રંગે રંગાયા.

આતમનો ક્યો રંગ 'આરઝુ'?
અમે તો અનેરા રંગે રંગાયા.

રાજેશ જોશી ‘આરઝુ’

રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

પરપોટા

(Shivansh...                           ......with bubble fun)

ક્ષણમાં તુટી જાય પરપોટા.
પળમાં ફુટી જાય પરપોટા.

જગ-ચિત્ર તો સપ્તરંગીલુ,
રંગમાં ડુબી જાય પરપોટા.

ફુલની કોમળતા જરા સ્પર્શે,
ફુલ પર ઉગી જાય પરપોટા.

કિસ્મતની ફૂંક વધારે લાગે,
અહ્‌મથી ફુલી જાય પરપોટા.

સત્‌ની જો એને હવા લાગી,
ઉર્ધ્વ ઉડી જાય પરપોટા.

અંદર આકાશ, બહાર આકાશ.
આકાશમાં ભળી જાય પરપોટા.

રાજેશ જોશી ‘આરઝુ’
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list