ગુરુવાર, 14 જુલાઈ, 2011

મૌન રડે છે..

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.

વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.

બોમ્બ થૈ 'ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?

નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.

કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.

રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.

રાજેશ જોશી 'આરઝુ'


ગુરુવાર, 30 જૂન, 2011

જિંદગી રણની મળી..

(Jumerah Beach…                                …Dubai)

જિંદગી રણની મળી, ભીનાશ થઈ ઉભા રહો.
પ્યાસ મૃગજળની મળી, વિશ્વાસ થઈ ઉભા રહો.

ચારેકોર અંધકાર ‘ને, ઓળા અથડાયા કરે,
જ્યોત દીપની મળી, પ્રકાશ થઈ ઉભા રહો

કસ્તુરી પડી ભીંતર મહી ‘ને શોધું ચોપાસ,
વ્યથા હરણની મળી, આશ થઈ ઉભા રહો.

કરમાઈને પણ સુગંધ આપે એવુ ફુલ બનું,
હસ્તી ક્ષણની મળી, સુવાસ થઈ ઉભા રહો.

અંતરને કદી સીમાડા હોતાં નથી ‘આરઝુ’
ધુળ એના ચરણની મળી, આકાશ થઈ ઉભા રહો.

રાજેશ જોશી ‘આરઝુ’

બુધવાર, 25 મે, 2011

મારા આ મુકામને..

(‘સોનાની છાત્રાલય’…                         ….પોરબંદર)

નથી આ મુકામ પર મારા દહાડા જાજા.
આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.

ટીંપુક    પ્યાર   માટે હું   તરસું   શા   થી?
અહીં  તો  છે  ભૈ  સ્નેહના   ફૂવારા  જાજા.

એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,
એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના  બારણા જાજા.

કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,
ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.

અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,
કે   જેણે  સંઘર્યા  છે  મારા પગલા  જાજા.

વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,
‘આરઝુ’  અમારા અંતરના ઓવારણા  જાજા.

રાજેશ જોશી ‘આરઝુ’

(પંકજભાઇ! ..      ..ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)

મારા એક ‘ફેસબુક’  મિત્રએ મારી એ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’  પર મુકેલો કે જ્યાં મે  મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમના-વિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ-૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળાએ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં  વિતાવ્યો છે.

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list